કાંકરિયાની પાળે તિથર્ડ હિલિયમ બલૂન સફારીમાં ઉડાન કરી લોકાર્પણ કરતાં મુખ્યમંત્રી
દેશની આબરું ધૂળમાં મેળવી દેનારા કોમનવેલ્થના ભ્રષ્ટાચાર સામે ગુજરાત સરકારે વિકાસકામો દ્વારા પાઇપાઇનો હિસાબ આપ્યો છે અને ગુજરાતના વિકાસયજ્ઞમાં હાડકાં નાખનારાને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જવાબ મળી જવાનો છે તેમ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું.
મ્યુનિ. દ્વારા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપમાં શરૂ કરેલા ભારતભરમાં સર્વપ્રથમ એવા બલૂન સફારીનું નજરાણું જનતાને સર્મપિત કરતાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકાર ઉપર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, એકબાજુ ગુજરાત દરેક ક્ષેત્રમાં ઊંચી ઉડાન ભરી રહ્યું છે તેવી જ રીતે દિલ્હીમાં કેન્દ્ર સરકારના નાક નીચે કોમનવેલ્થમાં દરરોજ ભ્રષ્ટાચારના સમાચારથી ભારતની પ્રતિષ્ઠા ધૂળમાં મળી ગઇ છે.
ગુજરાતે વિકાસમંત્ર અપનાવ્યો છે અને એવા પ્રોજેક્ટ અમલમાં મૂક્યા છે જેની વિશ્વમાં નોંધ લેવાઇ રહી છે ત્યારે ગુજરાતના વિકાસમાં મદદ ન કરો તો કાંઇ નહિ પરંતુ આડા ન ઊતરશો અને આડા ઊતરશો તો ગુજરાતની જનતા બટન દબાવીને આડાઅવળા કરી નાખશે તેવી ચીમકી ઉચ્ચારતાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ગુજરાત સરકાર તો ઉદ્યોગપતિઓની સરકાર છે, ઉદ્યોગપતિઓ માટે જ છે તેવા જુઠ્ઠાણા ચલાવતા લોકોને થોડા દિવસમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જવાબ મળી જવાનો છે. તેમણે કહ્યું કે, અમે આપેલાં વચનો પૂરાં કર્યા છે અને તેની સાથે સાથે વિવિધ ક્ષેત્રે અનેક કામો કર્યા છે અને તેનાં પરિણામો લોકોને મળી રહ્યા છે.
૧૫ વર્ષ સુધીનાં બાળકો માટે દસ રૂપિયા ફી
મ્યુનિ. અને પ્રાઇવેટ ઓપરેટરે શરૂ કરેલા તિથર્ડ હિલિયમ બલૂનની સવારી માણવી ગરીબ અને મધ્યમવર્ગને મોંઘી પડશે તેવું પામી ગયેલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જાહેરસભામાં સોમવારથી શુક્રવાર સુધી અને જાહેર રજાના દિવસો સિવાય શાળામાં ભણતાં ૧૫ વર્ષ સુધીનાં બાળકો માટે સવારે ૮થી ૧૦ સુધી ફક્ત ૧૦ રૂપિયા જ દર રાખવાની જાહેરાત કરી હતી. મ્યુનિ. સત્તાવાળાઓએ તો બેથી બાર વર્ષ સુધીનાં બાળકો માટે ૭૫ રૂપિયા ફી નક્કી કરી હતી.
મુખ્યમંત્રીએ ચાર વાર બલૂન સવારી કરી
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આનંદીબેન તથા સુરેન્દ્રભાઇ પટેલ વગેરે સાથે બલૂનમાં સવારી કરી હતી, બલૂન સફારીની મોજ પડી જતાં મુખ્યમંત્રીએ ફોટોગ્રાફરો સાથે અને મ્યુનિ. હોદ્દેદારો સાથે એમ ચાર વાર સવારી માણી હતી.

No comments:
Post a Comment