ચુકાદાને પગલે બંને સમુદાય તરફથી ઉગ્ર પ્રતિક્રિયા આવવાની શક્યતા, કાયદો-વ્યવસ્થા જાળવવા ગૃહમંત્રાલયની તાકીદ. અયોધ્યામાં વિવાદાસ્પદ સ્થળની માલિકીના હકના મુદ્દે હાઈકોર્ટ ૨૪ સપ્ટેમ્બરે ચુકાદો આપશે. અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચનો આ ચુકાદો રાજકીય દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો બની રહેશે. બન્ને સમુદાય તરફથી આ કેસના ચુકાદાને પગલે મોટાપાયે પ્રતિક્રિયા આવી શકે તેમ હોવાથી દેશભરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ટોચની પ્રાથમિકતા આપવા કેન્દ્રીય ગૃહમંત્રાલયે તમામ રાજ્યોને તાકીદ કરી દીધી છે.
આ કેસમાં મહત્વના પક્ષ સુન્ની વકફ બોર્ડના વકીલ ઝફરયાબ જિલાનીએ બુધવારે કહ્યું હતું કે સંપૂર્ણ બેન્ચે ૨૪મીએ ચુકાદો આપવા અંગે લેખિતમાં માહિતી આપી છે. છ દાયકા જુના આ કેસમાં જસ્ટિસ એસ.યુ.ખાન, સુધીર અગ્રવાલ અને ડી.વી. શર્માની બેન્ચે ૨૬ જુલાઈએ ચુકાદો અનામત રાખ્યો હતો. ઉત્તરપ્રદેશ સરકારે ચુકાદાને પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નિયંત્રણમાં રહે તે માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થાની તૈયારી કરી લીધી છે.
અયોધ્યા વિવાદ ટાઈમલાઈન
૧૫૨૮માં બાબરી મિસ્જદનું નિર્માણ થયું. હિન્દુઓનો દાવો છે કે તે સ્થળે મંદિર હતું જેને તોડીને મિસ્જદ બનાવાઈ છે. ૧૮૫૯માં બ્રિટિશ શાસકોએ હિન્દુ અને મુસ્લિમ સમુદાય અલગ અલગ પૂજા કરી શકે તે માટે તારની વાડ કરી ૧૯૪૯માં હિન્દુઓ અને મુસ્લિમોએ કેસ દાખલ કરીને આ જમીન પર દાવા રજુ કર્યા.
સરકારે વિવાદાસ્પદ સ્થળ પોતાને હસ્તક લઈ લીધું. ૬ ડિસેમ્બર, ૧૯૯૨ના રોજ બાબરીનો ધ્વંસ કરાયો. ધ્વંસ પછીની હિંસામાં ૨૦૦૦થી વધુ લોકોનાં મોત થયા ૧૯૯૪માં સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો કે જમીનની માલિકીનો વિવાદ ન ઉકેલાય ત્યાં સુધી તેને લગતા તમામ કેસમાં સ્થિતિ યથાવત રાખવી ૨૦૦૨માં અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે જમીનની માલિકીના કેસની સુનાવણી શરૂ કરી
અયોધ્યા જમીન કેસ શું છે
ડિસેમ્બર ૧૯૪૯માં અયોધ્યાના તત્કાલીન વિવાદાસ્પદ ઢાંચામાં રામલલ્લાની મૂર્તિ પ્રગટ થયા બાદથી વિવાદ વણસ્યો. ૧૯૫૦માં ગોપાલસિંહ વિશારદ દ્વારા કેસ દાખલ કરાયા બાદ આ કેસ કોર્ટમાં ગયો. ગોપાલસિંહની દલીલ હતી કે આ હિન્દુઓનું ધાર્મિક સ્થળ છે અને ત્યાં પૂજાની મંજુરી મળવી જોઈએ.
ત્યારબાદ ૧૯૫૯માં નિર્મોહી અખાડાએ અને ૧૯૬૧માં સુન્ની વકફ બોર્ડે વિવાદાસ્પદ સ્થળ પર પોતપોતાના દાવા રજુ કર્યા હતા. ભગવાન શ્રી રામલલ્લા બિરાજમાનના નામથી કેસ ૧૯૮૯માં દાખલ કરાયો હતો. આમ તો રામજન્મભૂમિ મેળવવા માટે બાબા રઘુવરદાસજીએ ૧૮૮૫માં પહેલીવાર કેસ દાખલ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ૨.૭૭ એકર વિવાદાસ્પદ જમીનની માલિકીના હકનો ચુકાદો આવવાનો છે, જેને કેન્દ્ર સરકારે ૧૯૯૩માં હસ્તગત કરી લીધી હતી. હાલમાં વિવાદાસ્પદ સ્થળના રિસીવર ફૈઝાબાદના કમિશનર છે.
કોર્ટ ક્યા ક્યા મુદ્દે ચુકાદો આપશે
વિવાદાસ્પદ સ્થળ પર ૧૫૩૮ પહેલાં મંદિર હતું ?
૧૯૬૧માં બાબરી સમિતિએ દાખલ કરેલો કેસ કોઈ ચોક્કસ બાબત પૂરતો જ છે કે કેમ ?
મુસ્લિમ સમુદાયનો દાવો વિવાદાસ્પદ સ્થળ પર બળજબરીથી કબજાનો છે કે કેમ?
અયોધ્યા કેસના મુખ્ય ચાર પક્ષો
ગોપાલસિંહ વિશારદ, નિર્મોહી અખાડા, સુન્ની વકફ બોર્ડ અને ભગવાન શ્રી રામલલ્લા બિરાજમાન આ કેસમાં મુખ્ય ચાર પક્ષો છે. ૧૯૫૦માં પરમહંસ તામચંદ્રદાસજીએ પણ કેસ દાખલ કર્યો હતો, પરંતુ ત્યારબાદ તેમણે કેસ પાછો ખેંચી લીધો હતો.

No comments:
Post a Comment