અમીનના આક્ષેપોનો જવાબ આપવા મેજિસ્ટ્રેટનો જેલ સત્તાવાળાઓને આદેશ
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં તાજના સાક્ષી બનવા માટે અરજી કરનાર ડૉ. નરેન્દ્ર અમીને જેલ સત્તાવાળા પર એવો સીધો આક્ષેપ કર્યો હતો કે સુરક્ષાના નામે તેમણે મને ખુલ્લા મેદાનમાં શિકારની જેમ છોડી દીધો છે.
સારવાર માટે પણ તેમને કેટલીક સમસ્યા ઊભી કરવામાં આવી રહી છે. તેમજ જેલમાં જે સ્થળે તેમને રાખવામાં આવ્યા છે ત્યાંનો નકશો દર્શાવીને પણ તેમણે પોતાના પરનો ખતરો રજૂ કર્યો હતો. ત્યારે બીજી તરફ જેલ સત્તાવાળાઓએ અમીનને જેલમાં સંપૂર્ણ સુરક્ષા પૂરી પાડી હોવાનું જણાવ્યું હતું. તેમને સારવાર અને અન્ય બાબતોને લગતી સમસ્યા ન થાય તે બાબતની પણ પૂર્ણ કાળજી લેવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું.
સ્પેશિયલ સીબીઆઇ મેજિસ્ટ્રેટ એ.વાય.દવેએ અમીનની અરજી પરત્વે જવાબ રજૂ કરવા આવતીકાલે શુક્રવારે હાજર રહેવા જેલ સત્તાવાળાઓને આદેશ કર્યો છે.
ડૉ. અમીનના એડ્વોકેટ જગદીશ રમાણીની રજુઆત
સાબરમતી જેલ તંત્ર અમારી સલામતી વધારવાને બદલે બેરેકને તાળું મારી અમને ગોંધી રાખે છે. અમારી બેરેક નજીકથી પોટાના, લૂંટના, કોમી બનાવોના ખૂંખાર કેદીઓ સતત અવર-જવર કરે છે. ૧૦૦૦ જેટલા કેદીઓ રોજ આ રીતે ત્યાંથી પસાર થાય છે. આ બેરેક ભૌગોલિક રીતે જોખમી છે. અમારી બેરેક ટવીન બેરેક છે. બાજુની બેરેક અવાવરું છે. જોકે તે બેરેકમાં થઇને અમારી બેરેકમાં આવી શકાય છે જે સુરક્ષા માટે ખતરારૂપ છે.
બેરેકની પાછળ પાણીની ટાંકી આવેલી છે ત્યાંથી પણ અમારી ગતીવિધિ જોઇ શકાય છે.
સુરક્ષાના નામે તંત્રએ અમને ખુલ્લા મેદાનમાં શિકારની જેમ મૂકી દીધા છે.
બેરેકની બહાર રાત્રે જ એક ગાર્ડ હોય છે દિવસ દરમિયાન કોઇ ગાર્ડ મૂકવામાં આવ્યા નથી.
રાત્રે જેલર એલ.વી.પરમારે પણ એક વખત અમને ઊંઘમાંથી ઉઠાડેલા અને તે બાદ તેઓ ચાલ્યા ગયેલા, તેમનું આ વર્તન પણ શંકા ઉપજાવે તેવું છે.
ભૂતકાળમાં અમને તબીબી કારણોસર કુદરતી રીતે મારી નાખવાનો પણ પ્રયાસ થયેલો છે.
સહ આરોપીઓએ અમારી પર હુમલો કર્યાનું રેકોર્ડ પર છે.
તાજના સાક્ષી બનવાની અમારી અરજી બાદ અમારી પર હુમલાની શક્યતા વધી ગઇ છે.
નિયમિત સારવાર માટે અમને મોકલવામાં આવતા નથી.
જેલ સત્તાવાળાઓએ કોર્ટને લેખિતમાં આપેલો જવાબ
અમીનને આ કેસના અન્ય કેદીઓથી અલગ વીરભગતસિંહ યાર્ડમાં રાખવાની વ્યવસ્થા કરી છે. બેરેકની ફરતે બોર્ડરવિંગના જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. યાર્ડની અંદર એક જવાન વાયરલેશ સેટ સાથે તથા એક બોર્ડર વિંગનો જવાન હથિયાર સાથે તેમના યાર્ડમાં ફરજ પર રાખવામાં આવ્યા છે.
બેરેકના દરવાજા આગળ પણ બોર્ડરવિંગનો જવાન બેસાડવામાં આવ્યો છે.
અમીનને જ્યાં રાખવામાં આવ્યો છે ત્યાંથી સિત્તેર ફૂટ દૂર નવી જેલ અને જૂની જેલમાં અવર-જવરનો દરવાજો છે, જો કે તંત્રએ કેદીઓની અવર-જવર તેની વિરુદ્ધ દિશામાં ગોઠવી દીધી છે. તેમના દરવાજા પાસે સંત્રીનો પોઇન્ટ મૂકવામાં આવ્યો છે.
અમીનની બેરેક તરફ જવાનો રસ્તો સંપૂર્ણ બંધ કરી દીધો છે.
દર ગુરુવારે અધિક્ષક પણ રાઉન્ડ લે છે તે સમયે પણ આરોપી તે બાબતે ફરિયાદ કરી શકે છે.
તેમના યાર્ડમાં દિવસ દરમિયાન સૂબેદાર, જેલર,ડેપ્યુટી જેલર સમયાંતરે રાઉન્ડ લે છે. રાત્રે પણ ડ્યૂટી જેલર સમયાંતરે રાઉન્ડ લે છે.
કોર્ટ મુદત, સિવિલ મુલાકાત, ઓફિસ કામે બોલાવવામાં કે લઇ જવામાં આવે ત્યારે પણ સંપૂર્ણ સુરક્ષા આપવામાં આવે છે.
તબીબી સારવાર માટે પણ જેલના તબીબી અધિકારીઓને સૂચના આપવામાં આવી છે જેથી યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અને તેમને જરૂરી સારવાર માટે સિવિલ હોસ્પિટલ પણ મોકલવામાં આવે છે.
શકીલ ઉર્ફે તેજા ગુલામ હુસેન દ્વારા કરાયેલા આક્ષેપો બાબતે પણ નાયબ પોલીસ અધિક્ષક દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે..
અમીન સામે ફરિયાદ માટે ચૌહાણની રિવિઝન અરજી : છઠ્ઠીએ સુનાવણી
ડૉ. નરેન્દ્ર અમીને જેલમાં ગેરકાયદે રેકોર્ડર રાખવા બદલ તેની સામે પણ ફરિયાદ નોંધીને કાનૂની કાર્યવાહી કરવાની એન. વી. ચૌહાણની અરજી સીબીઆઇ મેજિસ્ટ્રેટે ફગાવી દીધી હતી અને મેટ્રો કોર્ટમાં આ બાબતે ફરિયાદ કરવા આદેશ કર્યો હતો.
જેથી ચૌહાણે પોતાના વકીલ દીપ ભંભાણી દ્વારા આ મુદ્દે સીબીઆઇ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રિવિઝન અરજી કરી હતી, જેમાં એવો ઉલ્લેખ કરાયો હતો કે કોર્ટે જેલ સત્તાધીશોને એવો આદેશ કરવો જોઇએ કે તેઓ આ મુદ્દે સાબરમતી પોલીસમથકે ફરિયાદ નોંધાવે, જોકે આ અરજીની સુનાવણી કોર્ટે ૬ સપ્ટેમ્બરે રાખી છે.
યશપાલ - અજયના આગોતરા જામીન સીબીઆઇ સેશન્સ કોર્ટે ફગાવ્યા
સોહરાબ કેસમાં સ્પેશિયલ સીબીઆઇ સેશન્સ કોર્ટે ગુરુવારે અજય પટેલ તથા યશપાલ ચુડાસમાની આગોતરા જામીન અરજી ફગાવી હતી. અદાલતે પોતાના અવલોકનમાં જણાવ્યું હતું. આ બન્ને આરોપીઓ સામે બિનજામીન પાત્ર વોરંટ ઇશ્યૂ કરાયું છે તથા તેમની વિરુદ્ધ ગંભીર આરોપો હોવાથી તેમને આગોતરા જામીન મળે નહિ.
અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેન્કના ચેરમેન અજય પટેલ તથા યશપાલ ચુડાસમાએ પોતાના વકીલ અજિતસિંહ જાડેજા મારફતે સ્પેશિયલ સીબીઆઇ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી જે અંગે ગુરુવારે વધુ સુનાવણી હાથ ધરાઇ હતી.
અભય ચુડાસમાને સીઆઇડી ક્રાઇમની ચાર્જશીટની નકલ અપાઈ
અભય ચુડાસમાને સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસની સીઆઇડી ક્રાઇમે કરેલી ચાર્જશીટ આપવા સ્પેશિયલ સીબીઆઇ મેજિસ્ટ્રેટ એ. વાય. દવેએ આદેશ કર્યો છે.
ચુડાસમાએ અગાઉ તેમના એડ્વોકેટ રોહિત વર્મા મારફત કરેલી અરજીમાં એવી રજૂઆત કરી હતી કે સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં અગાઉ સીઆઇડી ક્રાઇમે કરેલી ચાર્જશીટની નકલ તેમને મળવી જોઈએ. ગુરુવારે સીબીઆઇએ ચુડાસમાને સીઆઇડી ક્રાઇમે કરેલી ચાર્જશીટની નકલ કોર્ટ રાહે આપી હતી.

No comments:
Post a Comment