ત્રિકોણીય વન-ડે ક્રિકેટ શ્રેણીમાં બુધવારે ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી મેચ દરમિયાન અમ્પાયરના નિર્ણય સામે અસંતોષ વ્યક્ત કરવા બદલ ભારતીય બેટ્મસેન વિરાટ કોહલીની મેચ ફીની ૧૫ ટકા રકમ કાપી લેવામાં આવશે.
બુધવારે રાત્રે રમાયેલી મેચ બાદ ઓસ્ટ્રેલિયન મેચ રેફરી એલન હસ્ટેં કોહલી સામે સુનાવણી હાથ ધરી હતી અને વિરાટ કોહલીએ પોતાની ભૂલનો સ્વીકાર કર્યો હતો. કોહલી સામે લેવલ-વન હેઠળ ગુનો દાખલ કરાયો હતો જે સ્વીકારીને તેણે દંડનો પણ સ્વીકાર કર્યો હતો.
ન્યૂઝીલેન્ડ સામેની મેચની છઠ્ઠી ઓવરમાં ટિમ સાઉથીની બોલિંગમાં વિરાટ કોહલીને વિકેટકીપર હોપકિન્સે કેચ આઉટ કર્યો હતો. અમ્પાયરના આ નિર્ણય સામે કોહલી થોડી વાર સુધી વિકેટ પર જ ઊભો રહ્યો હતો.
આઈસીસીની આચારસંહિતા મુજબ કોઈ અમ્પાયરના નિર્ણયનો જાહેરમાં વિરોધ કરવો એ ગુનો છે અને વિરાટ કોહલીએ પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી તથા તેની સામે કરાયેલા દંડને પણ માન્ય રાખ્યો હતો.

No comments:
Post a Comment