અમદાવાદ શહેરની ૬૦ લાખની વસતીને પ્રાથમિક સુવિધા આપવામાં પણ નિષ્ફળ ગયેલા કોર્પોરેશનના સત્તાધિકારીઓએ કોર્પોરેટરોને લેપટોપની લહાણી કરવા માંડી છે. રાજકીય પક્ષા-પક્ષીથી પર રહીને કોર્પોરેશને લીધેલા નિર્ણય મુજબ, શહેરીજનોના હિતમાં ૬૪ વોર્ડના ૧૯૨ કોર્પોરેટરોને લેપટોપ આપવાની શરૂઆત થઈ ગઈ છે.
આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઈ-મેઈલથી સ્થાનિક વિસ્તારની સમસ્યાઓ અંગે કોર્પોરેશનના સંબંધિત અધિકારીઓ સમક્ષ રજુઆત કરી શકે તે હેતુથી તેમને ઈન્ટરનેટની સુવિધા પણ આપવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઘણા કોર્પોરેટરો લેપટોપના ઉપયોગ અંગે અજાણ હોવાથી હાલ તેમણે આ લેપટોપ પોતાના સંતાનોને આપી દીધા છે અને તેમના સંતાનો આ લેપટોપનો ઉપયોગ ગેમ રમવામાં કરે છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ અનેક વખત બંને પક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તાલીમ મેળવવા માટે વિદેશ પ્રવાસે ગયા હતા. જો કે વિદેશમાંથી તેમણે શું તાલીમ મેળવી અને આ તાલીમ શહેરીજનોને કેટલી ઉપયોગી રહી તે અંગે સૌ કોઈ જાણે છે. આટલું ઓછું હોય તેમ અગાઉ કોર્પોરેશને દરેક કોર્પોરેટરને કમ્પ્યુટર અને મોબાઈલ આપ્યા હતા. કોર્પોરેટરોને મળેલી આ તમામ સુવિધાઓથી શહેરીજનોની સુખાકારીમાં કેટલો વધારો થયો તે એક પ્રશ્ન છે.
બે વર્ષ અગાઉ કોર્પોરેટરોને કમ્પ્યુટરની તાલીમ આપવામાં આવી હતી અને બાદમાં તેમને કમ્પ્યુટર પણ અપાયા હતા. જોકે ગત વર્ષે યોજાયેલી ચૂંટણીમાં મોટાભાગના નવા ચહેરાઓ વિજેતા બન્યા હતા. આ નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓને લેપટોપની કોઈ તાલીમ આપતા પહેલા જ તેમને લેપટોપ આપવાની શરૂઆત થઈ ગઈ છે. સામાન્ય રીતે એક લેપટોપની કિંમત રૂ.૩૫૦૦૦ની ગણીએ તો પણ ૧૯૨ લેપટોપની કિંમત લગભગ રૂ.૬૭ લાખ જેટલી થાય. તો રૂ.૬૭ લાખનો આ ખર્ચ ખરેખર શહેરીજનોને કોઈ રીતે ઉપયોગી થશે ખરો?
સંતાનો પાસેથી તાલીમ લઈએ તેમાં ખોટું શું છે?
કેટલાક કોર્પોરેટરે તો આ લેપટોપ તેમના સંતાનોને ગેમ રમવા અને સ્કૂલના પ્રોજેક્ટ બનાવવા માટે આપી દીધા છે. જો કે આ અંગે પોતાનો બચાવ કરતા એક કોર્પોરેટરે એવો ખુલાસો કર્યો હતો કે, તેમને લેપટોપની કોઈ તાલીમ મળી નથી. જેના કારણે બાળકો પાસેથી તેઓ લેપટોપની તાલીમ મેળવી રહ્યા છે અને તેની સામે જો બાળકો ગેમ રમતા હોય કે પ્રોજેક્ટ બનાવતા હોય તો તેમાં ખોટુ શું છે?
બે વર્ષ પહેલા કમ્પ્યુટરની તાલીમ અપાઈ હતી
એક સપ્તાહથી કોર્પોરેટરોને લેપટોપ અપાઈ રહ્યા છે. જેમાં એચપીના લેપટોપ પસંદ કરનારા કોર્પોરેટરોને આ લેપટોપ મળી ગયા છે. અન્ય કંપનીના લેપટોપ આવવાના બાકી હોવાથી હજુ કેટલાક કોર્પોરેટરોને તે મળ્યા નથી. હજુ મને લેપટોપ મળ્યું નથી. બે વર્ષ પહેલા કોર્પોરેટરોને કમ્પ્યુટર આપવામાં આવ્યા ત્યારે તેમને કમ્પ્યુટરની તાલીમ આપવામાં આવી હતી. જો કે લેપટોપની તાલીમ અપાઈ નથી. - સુરેન્દ્ર બક્ષી, નેતા, કોંગ્રેસ
પરિસ્થિતિમાં કોઈ ફરક આવશે?
સ્થાનિક સમસ્યાઓ અંગે કોર્પોરેટરો દ્વારા થયેલી લેખિત રજુઆતનો રેકોર્ડ જાળવવા માટેની યોગ્ય સુવિધા પણ નથી. જેના કારણે અનેક ફરિયાદો ટલ્લે ચડે છે ત્યારે આ ‘ઈ ફરિયાદો’ પર યોગ્ય કાર્યવાહી માટે કોઈ તંત્ર હજુ સુધી ગોઠવવામાં આવ્યું નથી. એક અધિકારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે, આમ તો ઘણા કોર્પોરેટરો લેપટોપના ઉપયોગ અંગે અજાણ છે. આમ છતાં કેટલાક ઉત્સાહી કોર્પોરેટરો લેપટોપ પરથી ફરિયાદો ઈ-મેઈલ કરશે અને બાદમાં સાંજે ફરિયાદ પણ આપશે. આમ, પરિસ્થિતિમાં સુધારો નહીં આવે અને બેવડા રેકોર્ડ સાચવવા પડશે.
ઝડપી ઉકેલ જોઈતો હોય તો રૂબરૂ જ જવું પડશે
લેપટોપના કારણે અમે પ્રજાના પ્રશ્નો અંગે ઓનલાઈન રજુઆત કરી શકીશું. જોકે આ પ્રશ્નોનો ઝડપી ઉકેલ લાવવા માટે અમારે ફરજિયાત કોર્પોરેશનના અધિકારીઓ પાસે જવું જ પડશે અને તપાસ કરવી પડશે. અમારે પ્રજાને નક્કર જવાબ આપવાના હોય છે અને રૂબરૂ મુલાકાત વગર આ જવાબ આપવા શક્ય નહીં હોવાથી અમારે ઓફિસે જઈને રૂબરૂ તપાસ કરવી પડશે. લિયાકત ઘોરી, કોર્પોરેટર, કોંગ્રેસ
ટૂંક સમયમાં લેપટોપની તાલીમ અપાશે
વિશ્વ સાથે તાલ મિલાવવા માટે લેપટોપ આપવાનો નિર્ણય લેવાયો છે. કોર્પોરેટરોના બાળકો લેપટોપ પર ગેમ રમે તેવુ ક્યાંક બનશે, પરંતુ સમય જતાં લેપટોપનો પણ સદુપયોગ થશે. લેપટોપ મેળવનારા કોર્પોરેટરોમાંથી ૮૦ ટકા નવા છે અને મોટાભાગે જાણકાર પણ છે. આમ છતાં તેમને આગામી દિવસોમાં તાલીમ અપાશે. - ગૌતમ શાહ, નેતા, મ્યુનિ. ભાજપ
No comments:
Post a Comment