મધુર ભંડારકરની ફિલ્મ હિરોઈનને લઈને જે વિવાદ થયો તે હજી પણ ચાલી રહ્યો છે. લાગે છે કે, જ્યાં સુધી આ ફિલ્મ રીલિઝ નહીં થાય ત્યાં સુધી આ વિવાદ ચાલ્યો રહેશે.
કરિના કપૂર અને બચ્ચન પરિવાર વચ્ચે પહેલેથી જ અણબનાવ રહ્યો છે. કરિશ્મા કપૂર અને અભિષેક બચ્ચનની સગાઈ તૂટી જતાં કપૂર પરિવાર અને બચ્ચન પરિવાર વચ્ચે કડવાશ ઉત્પન્ન થઈ છે.
હવે, બચ્ચન બહૂ ઐશ્વર્યા રાય કરિના કપૂરના નિર્ણયથી ખુશ નથી. કરિના કપૂરે મધુર ભંડારકરની ફિલ્મ હિરોઈન સ્વીકારી લીધી છે. આ ફિલ્મનું શૂટિંગ ઐશ્વર્યા સાથે આઠ દિવસ સુધી કરવામાં આવ્યું હતું. જોકે, આ સમય દરમિયાન એશ ગર્ભવતી થઈ જતાં તે આ ફિલ્મમાંથી નીકળી ગઈ હતી. આટલું જ નહીં એશે આ ફિલ્મની સાઈનિંગ અમાઉન્ટ પણ પાછી આપી દીધી છે.
જોકે, તાજેતરમાં જ એશે ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શકને એક નોટિસ ઈશ્યૂ કરી છે. આ નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે એશે જેટલું શૂટિંગ કર્યું છે તેનો ક્યાંય ઉપયોગ કરવો નહીં. ફિલ્મના સ્ટીલ ફોટો અને વીડિયો ફૂટેજનો ભવિષ્યમાં ઉપયોગ કરવો નહીં. એશના આ વર્તનથી સ્પષ્ટ થાય છે કે, કરિનાએ હિરોઈન સાઈન કરી તે અભિનેત્રી(એશ) બિલકુલ પસંદ આવ્યું નથી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બેબોએ જ્યારે હિરોઈન કરવાની ના પાડી ત્યારે એશે આ ફિલ્મ સ્વીકારી હતી. જોકે, એશ નીકળી જતાં તરત જ બેબોએ આ ફિલ્મ સ્વીકારી લીધી.
અલબત્ત, કરિના જણાવે છે કે, ફિલ્મ હિરોઈન તેને ધ્યાનમાં રાખીને જ લખવામાં આવી હતી તથા મધુર અને યુટીવી પણ ઈચ્છતા હતા કે તે આ ફિલ્મ સાઈન કરે.
